ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક દિવસે અમે આપ ﷺ પાસે બેઠા હતા, કે અચાનક એક વ્યક્તિ અમારી પાસે આવી પહોંચ્યો, તેના કપડાં એકદમ સફેદ હતા, અને વાળ સખત કાળા, તેના (ચહેરા) પર સફરની નિશાનીઓ પણ નહતી દેખાતી અને અમારા માંથી કોઈ તેને ઓળખતું પણ ન હતું, અહીં સુધી કે તે આપ ﷺ પાસે બેસી ગયો, તેણે પોતાના ઘૂંટણ આપ ﷺ ના ઘૂંટણ સાથે ભેગા કરી દીધા અને પોતાની હથેળીઓને પોતાની સાથળ ઉપર મૂકી દીધી, (અર્થાત્ અત્યંત વિનમ્રતાથી બેસી ગયો) અને કહ્યું કે હે મુહમ્મદ ﷺ ! મને ઇસ્લામ વિશે જણાવો, આપ ﷺ એ કહ્યું: «ઇસ્લામ એ છે કે તમે આ વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ પઢતા રહો, ઝકાત આપતા રહો, રમઝાન માસના રોઝા રાખો અને જો તમને હજ માટેના સફરની શક્તિ હોય તો બૈતુલ્લાહનો હજ કરો» તેણે કહ્યું કે તમે સાચું કહ્યું, ઉમર રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે અમને તેની આ વાત પર આશ્ચર્ય થયુ કે તે સવાલ પણ કરી રહ્યા છે અને જવાબની પુષ્ટિ પણ પોતે જ કરી રહ્યા છે, તેણે (ફરીથી) કહ્યું: મને ઈમાન વિશે જણાવો, આપ ﷺ એ કહ્યું: «ઈમાન એ છે કે તમે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની (અવતરિત કરેલી) કિતાબો પર, તેના રસૂલો પર, આખિરતના દિવસ પર અને સારી અને ખરાબ તકદીર પર ઈમાન રાખો», તેણે ફરીથી કહ્યું: કે તમે સાચું કહ્યું, પછી તેણે (ત્રીજો) સવાલ કર્યો, મને એહસાન વિશે જણાવો, આપ ﷺ એ કહ્યું: «એહસાન એ છે કે તમે અલ્લાહની એવી રીતે ઇબાદત કરો જાણે કે તમે તેને જોઈ રહ્યા છો, જો તમે તેને નથી જોઇ રહ્યા તો તે તમને જોઇ જ રહ્યો છે» તેણે કહ્યું: મને કયામત વિશે જણાવો (કે તે ક્યારે આવશે), આપ ﷺ એ કહું: «આ વિશે જેને સવાલ કરવામાં આવ્યો છે તે આ સવાલ કરવાવાળા કરતા વધારે નથી જાણતો (અર્થાત્ હું આ વિશે નથી જાણતો)» તેણે કહ્યું: (સારું) કયામતની મોટી મોટી નિશાનીઓનું વર્ણન કરો, આપ ﷺ એ કહ્યું: «દાસી પોતાના માલિકને જન્મ આપશે અને એ કે તમે એવા લોકોને જોશો જેમના શરીર પર કપડાં, પગમાં ચપ્પલ અને ખાવા માટે ખોરાક પણ નહીં હોય, (પરંતુ આવા ફકીરો પાસે એટલો માલ આવી જશે કે તેઓ) મકાન બનાવવામાં એકબીજા ઉપર ગર્વ કરશે» પછી તે (સવાલ કરનાર) ચાલ્યો ગયો, (હદીષ રિવાયત કરનાર સહાબી ઉમર રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે) હું ઘણી વાર સુધી (આપ ﷺ પાસે) ઊભો રહ્યો, આપ ﷺ એ મને પૂછ્યું: «ઉમર! જાણો છો આ સવાલ કરનાર કોણ હતો?» ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ જ વધારે જાણે છે, નબી ﷺ એ કહ્યું: «આ જિબ્રઇલ હતા, જેઓ તમને તમારો દીન શીખવાડવા આવ્યા હતા».