અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ પોતાના બરકત વાળા અને મહાન પાલનહારથી રિવાયત કરે છે, કે અલ્લાહ તઆલાએ કહ્યું: «હે મારા બંદાઓ ! મેં મારા પર જુલમ (અત્યાચાર) કરવાને હરામ કરી દીધું છે અને મેં તેને તમારી વચ્ચે પણ હરામ કરી દીધું છે, બસ ! તમે એકબીજા પર અત્યાચાર ન કરો, હે મારા બંદાઓ ! તમે સૌ ગુમરાહ (પથભ્રષ્ટ) છો, તે લોકો સિવાય જેમને હું હિદાયત આપી દઉં, બસ ! મારી પાસે જ હિદાયત માંગો, હું તમને હિદાયત આપીશ, હે મારા બંદાઓ ! તમે સૌ ભૂખ્યા છો, તે લોકો સિવાય જેમને હું ખાવાનું આપી દઉં, બસ તમે સૌ મારી પાસે જ ખાવાનું માંગો, હું જ તમને ખવડાવીશ, હે મારા બંદાઓ ! તમે સૌ નગ્ન છો, તે લોકો સિવાય જેમને હું પોશાક પહેરાવી દઉં, બસ ! તમે મારી પાસે જ પોશાક માંગો, હું તમને પોશાક પહેરાવીશ, હે મારા બંદાઓ ! તમે રાત- દિવસ ગુનાહ કરો છો અને હું બધા જ ગુનાહોને માફ કરું છું, બસ તમે મારી પાસે જ માફી માંગો, હું તમને માફ કરી દઈશ, હે મારા બંદાઓ ! તમે મારા નુકસાન સુધી નથી પહોંચી શકતા કે તમે મને નુકસાન પહોંચાડી શકો અને ન તો તમે મારા ફાયદા સુધી પહોંચી શકો છો કે તમે મને ફાયદો પહોંચાડી શકો (અર્થાત્ તમે મને નુકસાન અથવા ફાયદો પહોંચાડવાની શક્તિ નથી ધરાવતા), હે મારા બંદાઓ ! જો તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, બધા જ એવા વ્યક્તિ જેવા થઈ જાય, જેના હૃદયમાં અલ્લાહનો ડર હોય છે, તો તે વાત મારી બાદશાહતમાં સહેજ પણ વધારો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, એવા વ્યક્તિ જેવા થઈ જાય, જે તમારામાં સૌથી વધારે વિદ્રોહી તેમજ ગુનેગાર હોય, તો એ વાત મારી બાદશાહતમાં કંઈ પણ ઘટાડો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! જો તમારા પહેલા અને છેલ્લા, માનવીઓ તેમજ જિન્નાતો બધા એક ખુલ્લા મેદાનમાં ભેગા મળી, મને સવાલ (ઈચ્છા પ્રમાણે માંગણી) કરે અને હું દરેકને તેમના સવાલ પ્રમાણે આપી દઉં, તો તેનાથી મારા ખજાનામાં એટલો જ ઘટાડો થશે, જેટલો કે સમુદ્રમાં એક સોઈ ડુબાડીને કાઢી લેવાથી સમુદ્રના પાણીમાં થાય છે, હે મારા બંદાઓ ! ખરેખર તમારા કાર્યો છે, જેને હું ગણીને રાખું છું, પછી તમને તેનો સંપૂર્ણ બદલો આપું છું, બસ ! જેઓ ભલાઈ પ્રાપ્ત કરી લે તેઓ અલ્લાહની પ્રસંશા કરે અને જે લોકો તે સિવાયનું જુએ તો તેઓ પોતાને જ મલામત કરે».